સાહેબ મારો
saheb maro
સુધીર પટેલ
Sudhir Patel
ક્યાંય ના આવે નજર સાહેબ મારો,
– ને છતાં રાખે ખબર સાહેબ મારો.
રૂપ ક્યાં? આકાર ક્યાં? ને તોય પાડે,
સૌ પર ધારી અસર સાહેબ મારો.
પી રહ્યાં સૌ પોતાના ખોબા પ્રમાણે,
તોય કેવો છે સભર સાહેબ મારો!
એક ગમતું નામ લઈ જો, છે હજારો
રીઝશે એ નામ પર સાહેબ મારો.
રાખજે બસ એક ડર એનો સદા તું,
ભાંગશે સઘળાય ડર સાહેબ મારો.
લાગશે રમમાણ એ કણકણ મહીં પણ,
છે બધાથી સાવ પર સાહેબ મારો.
મોકળે મન જે ગમે તે માગ ‘સુધીર’
રાખશે ના કૈં કસર સાહેબ મારો.
સ્રોત
- પુસ્તક : ઉકેલીને સ્વયંના સળ (પૃષ્ઠ ક્રમાંક 39)
- સર્જક : સુધીર પટેલ
- પ્રકાશક : પાર્થ પ્રકાશન
- વર્ષ : 2008