sahara par - Ghazals | RekhtaGujarati

છે નજર સેંકડો નજારા પર,

ધ્યાન રહેતું નથી ઇરાદા પર.

કઈ રીતે ગાલને બદલવાનો?

જ્યાં તમાચા પડે તમાચા પર!

ત્યાંય અનહદ હલેસાં માર્યાં’તાં,

જ્યારે જ્યારે તર્યો સહારા પર.

સાંભળીને હૃદય ગયું બેસી,

દોડવાનું હતું ધડાકા પર!

થઈ ફજેતીઓ પણ નીરસ મારી,

કોઈ હસતું નથી તમાશા પર.

રોજ પ્રશ્નો ઉકેલે દુનિયાના,

કોઈ ઊભો રહી ઉખાણા પર.

સ્રોત

  • પુસ્તક : કુમાર - ઑક્ટોબર 2023 (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : પ્રફુલ્લ રાવલ
  • પ્રકાશક : કુમાર ટ્રસ્ટ