te bese ahin - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તે બેસે અહીં

te bese ahin

સ્નેહી પરમાર સ્નેહી પરમાર
તે બેસે અહીં
સ્નેહી પરમાર

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,

ને પછી છાતીમાં દુખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,

ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,

કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,

કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?

એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,

સભામાંથી જે ઊઠ્યું હોય તે બેસે અહીં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2015 (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2019