saav sastaamaan joii naakhyun ten - Ghazals | RekhtaGujarati

સાવ સસ્તામાં જોઈ નાખ્યું તેં

saav sastaamaan joii naakhyun ten

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
સાવ સસ્તામાં જોઈ નાખ્યું તેં
મનોજ ખંડેરિયા

સાવ સસ્તામાં જોઈ નાખ્યું તેં;

દૃશ્ય મોંઘેરું ખોઈ નાખ્યું તેં.

ખુદને જોવાનું એક ઠેકાણું,

એય સરવરને ડ્હોઈ નાખ્યું તેં.

સ્વપ્ન તો આંખની કીકી છે પણ –

આંસુની જેમ લ્હોઈ નાખ્યું તેં.

ફૂલ બાંધ્યાં હતાં કદી એમાં,

મ્હેકતું વસ્ત્ર ધોઈ નાખ્યું તેં.

દોસ્ત, કસ્તર કશું હતું ક્યાં કે –

સાવ જીવનને સોઈ નાખ્યું તેં.

છાની કહેવાતી વાતનું મોતી,

બૂમના દોરે પ્રોઈ નાંખ્યું તેં.

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે – સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 281)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ