સાવ અમારી જાત અલગ છે
saav amaarii jaat alag chhe
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla

સાવ અમારી જાત અલગ છે
કરવી છે તે વાત અલગ છે;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને
જાગે તેની રાત અલગ છે!
નખશિખ કવચ ધરી શું કરીએ
આડી ઢાલ ધરી શું કરીએ,
અદીઠ રહીને મર્મ ભેદતા
અંદરના આઘાત અલગ છે!
આખેઆખું ઝંઝેડી આ
ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એય ભલે જાણી લેતા કે
તરણાની તાકાત અલગ છે!
ભરી સભામાં એક એમની
વાત અનોખી કાં લાગે આ,
શબ્દો એના એ જ પરંતુ
પોત અલગ છે, ભાત અલગ છે!
શ્વાસે શ્વાસે સુગંધ જેવું
હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે,
સાજનની સૌગાત અલગ છે!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૮ (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : જયદેવ શુક્લ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2001