saanje nadiiae bhetiine be jan radii padyaan - Ghazals | RekhtaGujarati

સાંજે નદીએ ભેટીને બે જણ રડી પડ્યાં

saanje nadiiae bhetiine be jan radii padyaan

અનિલ ચાવડા અનિલ ચાવડા
સાંજે નદીએ ભેટીને બે જણ રડી પડ્યાં
અનિલ ચાવડા

સાંજે નદીએ ભેટીને બે જણ રડી પડ્યાં

જળમાં વહાવીને જૂનું સગપણ, રડી પડ્યાં!

મારા તૂટેલ દિલની કથા સાંભળ્યા પછી,

ન્હોતા જે કોઈ પ્રેમમાં પણ રડી પડ્યા!

અણસમજુ મારી મૂર્ખતાથી ધ્રુસકે ચડ્યાં,

જે જે ધરાવતા હતા સમજણ, રડી પડ્યાં.

ડૂમો દબાવીને પડી‘તી શેરી ચૂપચાપ

પણ ના રહી શકાયું તો આંગણ રડી પડ્યાં!

મારાં નયનની શુષ્કતા શું આટલી કરુણ?

મેં જેમાં જેમાં જોયું દર્પણ રડી પડ્યાં!

રડવું પડે ધરાર વખતેય ના રડ્યા!

અમથા ઘણીય વાર અકારણ રડી પડ્યાં

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ