સાખી
saakhi
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla
આમ અરઘી નહીં, વાત આખી કહો,
સાંભળી તો સુણી, દેખીપાખી કહો.
આપ વક્તા વળી આપ શ્રોતા ભયો,
ફિકર શી કે હજી ભેદ રાખી કહો!
ઓડકારે અધધ ભોગ આરોગશું,
શબદ જે કૈં કહો ચાખી ચાખી કહો.
રંગ નવરંગ તો નીતરે નેણથી,
આખરી કૈં હવે ચીજ ખાખી કહો!
આમ અમથું હસી ગોપવો ના કશું,
ગુપત જો હોય તો દ્વાર વાખી કહો!
ગાંઠ ભીડી ગળે ઓર આવો નિકટ,
આ પરાયાપણું દૂર નાખી કહો!
દાદરો અટપટો સાતમા માળનો,
હાથ સાહી, સહજ દીપ દાખી કહો.
ખૂટતું કૈં નથી આ ગઝલમાં હવે,
બસ, પહેલાં જરા એક સાખી કહો...
સ્રોત
- પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 78)
- સર્જક : રાજેન્દ્ર શુક્લ
- સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022