bahu sarun thayun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બહુ સારું થયું

bahu sarun thayun

ગની દહીંવાલા ગની દહીંવાલા
બહુ સારું થયું
ગની દહીંવાલા

જિંદગી પર વાદળું છાયું, બહુ સારું થયું;

ચિત્ર અંધારે દેખાયું, બહુ સારું થયું.

હું તો મહેફિલ મહીં આવીને મુંઝાયો હતો,

ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું.

જિંદગી આખી પડ્યા આઘાત જેને ઝીલવા,

‘દિલ’ કહી એને નવાજાયું, બહુ સારું થયું.

હું તો મસ્તીમાં જાણે ક્યાંનોક્યાં ચાલ્યો જતે,

ભાગ્ય સાથે લક્ષ્ય ભટકાયું, બહુ સારું થયું.

આપણી પાસે હતું જે ધન તે આંખોમાં હતું,

પ્રસંગોપાત વપરાયું, બહુ સારું થયું.

શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું!

રુદન તમને સંભળાયું, બહુ સારું થયું.

શાપ થૈ ગૈ કંટકો માટે ચિરાયુની દુઆ,

પુષ્પથી ઝાઝું જીવાયું, બહુ સારું થયું.

વીતવાની જે હતી વીતી ભલે અમ પ્રેમ પર,

રૂપનું પણ પોત પરખાયું, બહુ સારું થયું.

જિંદગીભર મોતને માઠું નથી લાગ્યું ‘ગની’,

છોને જીવાયું, જીવાયું, બહુ સારું થયું.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981