Riktata, Gulmhor, Liluchhamm, Lagolag Hoy Chhe - Ghazals | RekhtaGujarati

રિક્તતા, ગુલમ્હોર, લીલુંછમ, લગોલગ હોય છે

Riktata, Gulmhor, Liluchhamm, Lagolag Hoy Chhe

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
રિક્તતા, ગુલમ્હોર, લીલુંછમ, લગોલગ હોય છે
ખલીલ ધનતેજવી

રિક્તતા, ગુલમ્હોર, લીલુંછમ, લગોલગ હોય છે,

આજ ગઝલોમાં બધે આવું લગભગ હોય છે.

ક્યાં સુધી જખ્મી જટાયુને તમે પંપાળશો?

લાગણીને તે વળી ક્યાં હાથ ને પગ હોય છે!

દર વખત અમને બઘા એવા નિર્ણાયક મળ્યા,

એમના નિર્ણય વિશે પોતે સગડગ હોય છે.

નાગને તો માત્ર એના તાળવામાં ઝેર છે,

ચેતજે માણસથી, માણસમાં રગેરગ હોય છે.

ફૂલના પહેરેગીરોને કોણ સમજાવે ખલીલ!

ખુશબૂઓ માટે ઉઘાડા લાખ મારગ હોય છે.

સ્રોત

  • પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સર્જક : ખલિલ ધનતેજવી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ, મુંબઈ
  • વર્ષ : 2000