re lol suraj thai jawana koDman hamphi gaya - Ghazals | RekhtaGujarati

રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા

re lol suraj thai jawana koDman hamphi gaya

મિલિન્દ ગઢવી મિલિન્દ ગઢવી
રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
મિલિન્દ ગઢવી

રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા,

રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા.

આજે સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય,

રે લોલ તારી યાદનાં ચિત્તોડમાં હાંફી ગયા.

ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે,

રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા.

છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા,

રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા.*

તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે,

રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા.

ઊગ્યા કરે છે જંગલોનાં જંગલ છાતી મહીં,

રે લોલ જ્યાં એકવાર લીલા છોડમાં હાંફી ગયા.

*Leo Tolstoyની વાર્તા

‘How much land does a man need?’ પરથી

સ્રોત

  • પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : મિલિન્દ ગઢવી
  • પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2019