રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
એટલે જાગું
aetle jagun
ચતુર્ભુજરામ અગ્રાવત 'કાફિર'
Chaturbhujram Agravat 'Kafir'
ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું,
પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું.
તને નીંદર નથી આવી ને તારે ઘેર તું જાગે,
મને એક એવી અટકળ છે અને હું એટલે જાગું.
મને એ ઊંઘતો જોઈ રખે, બીજેય ચાલ્યાં જાય,
ગઝલના શે’ર નિશાચર છે અને હું એટલે જાગું.
નથી હું ઊતર્યો આ ઊંઘ સામે કોઈ ચળવળમાં,
જૂના પંખાની ખટખટ છે અને હું એટલે જાગું.
નહીં, દીવાની ટમટમથી નથી કોઈ ફેર પડતો, પણ
નયનમાં ઊંઘ અગોચર છે અને હું એટલે જાગું.
સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ : ઑગસ્ટ 2009 (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી