રાત પ્રતીક્ષા ઊંઘનું ઝોલું
Rat Pratiksha Ungh nu Zolu
જવાહર બક્ષી
Jawahar Bakshi
જવાહર બક્ષી
Jawahar Bakshi
રાત પ્રતીક્ષા ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું
હું ઝાકળના શહેરનો બંદી
બોલ કયો દરવાજો ખોલું
થાય સજા પડઘા બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું
આવરણોની ભીતર શું જાય
રૂ૫ છે એનું આખા બોલું
સ્વપ્નાઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો તો આંખો ખોલું.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
