ranman tare chhe - Ghazals | RekhtaGujarati

રણમાં તરે છે

ranman tare chhe

હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષ બ્રહ્મભટ્ટ
રણમાં તરે છે
હર્ષ બ્રહ્મભટ્ટ

બિચારું ઘર જોઈ થરથરે છે,

દીવાલોને દીવાલો છેતરે છે!

મજા આવે કશું ત્રીજું કરે તો,

ફક્ત લોકો જીવે છે ને મરે છે.

અમુક છે માછલી એવી ગજબની,

જુઓ, આરામથી રણમાં તરે છે!

નવી કોઈ ઋતુ લાગે છે તો,

હવે પર્ણો નહીં, વૃક્ષો ખરે છે!

ફરે છે સિંહની છાતી લઈ જે,

જાણે કેમ દર્પણથી ડરે છે!

બહુ ઓછા છે જે લોકો લખે છે,

ને મોટા ભાગના લખ-લખ કરે છે.

સ્રોત

  • પુસ્તક : આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો'તો (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2015