pagnan chhalan doDwani ‘na’ ja kaheshe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પગનાં છાલાં દોડવાની ‘ના’ જ કહેશે

pagnan chhalan doDwani ‘na’ ja kaheshe

રઈશ મનીઆર રઈશ મનીઆર
પગનાં છાલાં દોડવાની ‘ના’ જ કહેશે
રઈશ મનીઆર

પગનાં છાલાં દોડવાની ‘ના’ કહેશે

પ્યાસ તોયે ઝોઝવા પીવા કહેશે

કાંકરા અંગે બધા સહેલાણી જાણે

મોતી બાબત માત્ર મરજીવા કહેશે

શું કદરની આશ ઉન્નત લોક પાસે!

વાદળાં તો પ્હાડને નીચા કહેશે

બોર કેવાં હોય છે, શબરીને પૂછો

રામને પૂછો તો મીઠાં કહેશે

પગરખાંઓ દિવસની વાત જાણે

રાત વીતી કેમ ઓશીકાં કહેશે

શોરોગુલ જંપી જશે જૂઠાણાં લઈને

વાત સાચી તો સ્વરો ધીમા કહેશે

તું સફળ છે, કોણ કહેશે સત્ય તુજને?

મંડળી મળશે ને ‘હા જી હા’ કહેશે

બેઘરોની પીઠને પૂછી તો જો જો

શહેરના ફૂટપાથને લિસ્સા કહેશે

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - ઑક્ટોબર 2014 (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન