rajvadun - Ghazals | RekhtaGujarati

પહેલાં છાંટે ભુલાઈ જાતાં ચડ્ડી-બંડી, પડતાં ભેરુસાદ, યાદ સરવરિયું આવે, રજવાડું! આહાહાહા!

અમે પાદરે ગામ ગજવીએ અને સીમમાં બાપુજીને યાદ તૂટેલું નળિયું આવે, રજવાડું! આહાહાહા!

રમતાં-રમતાં સાંજ પડે ને ઝાલર વાગે, ઝાંખ વળે ને તોય મજાનો અંત આવે, એવે ટાણે સામે ચાલી,

મને શોધવા છેક પાદરે માની પાછળ આખી શેરી, ઘર, તોરણ ને ફળિયું આવે, રજવાડું! આહાહાહા!

અરે! આંબલીપીપળી રમતાં પોતીકા હાથ ધ્રૂજતાં, જાણીતી એક ડાળ છૂટતાં, સામે ફળિયે માળા કરતી,

કંકુ ડોશી પહેલાં બોલે ગાળ, પછી બે કૂવા જેવી આંખે બબ્બે નદિયું આવે, રજવાડું! આહાહાહા!

અજવાળાને કહી ‘આવજે’ દૂધે વાળુ કરીને રાતે ખુલ્લા ફળિયે તારાની છાબડિયું ભરીએ અને છેવટે,

દાદીમાએ તેડાવેલી પરી પાંપણે જરા ઝૂલતાં અંધારાનું તળિયું આવે, રજવાડું! આહાહાહા!

દાતરડું બદલીને પાછો કામે વળવા ડગ માંડું ત્યાં શરીર ઝંખે ખાવા થોડો થાક અને બસ એવે ટાણે,

સૂરજ પહેલાં ઝાકળ જોયું હો શેઢે એક રોટલા ભેગી બે ડુંગળિયું આવે, રજવાડું! આહાહાહા!

સ્રોત

  • પુસ્તક : રજવાડું (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : મધુસૂદન પટેલ 'મધુ'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2022