raag kerii pyaaliimaan, tyaagnii suraa piine - Ghazals | RekhtaGujarati

રાગ કેરી પ્યાલીમાં ત્યાગની સુરા પીને

raag kerii pyaaliimaan, tyaagnii suraa piine

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
રાગ કેરી પ્યાલીમાં ત્યાગની સુરા પીને
શૂન્ય પાલનપુરી

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને,

લો અમે તો ચાલ્યા!

જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને,

લો અમે તો ચાલ્યા!

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને,

લો અમે તો ચાલ્યા!

દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને,

લો અમે તો ચાલ્યા!

સૃષ્ટિના કણે કણમાં સૂર્ય જેમ વ્યાપીને,

લો અમે તો ચાલ્યા!

જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને,

લો અમે તો ચાલ્યા!

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની,

કોરડા સમય કેરા;

એક મૂગી શ્રદ્ધાની વેદનાઓ માપીને,

લો અમે તો ચાલ્યા!

ધૈર્ય કેરા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી,

વેલ છે કરુણાની;

પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને,

લો અમે તો ચાલ્યા!

થાય તે કરે ઈશ્વર! ભાન થઈ ગયું અમને,

આપ-મુખ્ત્યારીનું!

દમ વિનાના શાસનની આજ્ઞા ઉથાપીને,

લો અમે તો ચાલ્યા!

શૂન્યમાંથી આવ્યા'તા, શૂન્યમાં ભળી જાશું,

કોણ રોકનારું છે?

નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને,

લો અમે તો ચાલ્યા!

સ્રોત

  • પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 329)
  • સર્જક : શૂન્ય પાલનપુરી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ