pyas rahewa de - Ghazals | RekhtaGujarati

પ્યાસ રહેવા દે

pyas rahewa de

હિતેન આનંદપરા હિતેન આનંદપરા
પ્યાસ રહેવા દે
હિતેન આનંદપરા

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે

બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે

પ્રસંગો પર પ્રસંગો રીતે બનતા ગયા છે દોસ્ત

કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર

તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું

ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર

બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે

તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ

હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004