aavi shake to aavje - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવી શકે તો આવજે

aavi shake to aavje

સંદીપ પૂજારા સંદીપ પૂજારા
આવી શકે તો આવજે
સંદીપ પૂજારા

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,

મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,

તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ

ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.

જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,

તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં સાચવીશ,

પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ