prsango wartanun roop lai sambharne awya - Ghazals | RekhtaGujarati

પ્રસંગો વારતાનું રૂપ લૈ સંભારણે આવ્યા

prsango wartanun roop lai sambharne awya

ગની દહીંવાલા ગની દહીંવાલા
પ્રસંગો વારતાનું રૂપ લૈ સંભારણે આવ્યા
ગની દહીંવાલા

પ્રસંગો વારતાનું રૂપ લૈ સંભારણે આવ્યા;

મહામૂલાં ઘણાં પાત્રો અકિંચન આંગણે આવ્યાં.

નજરને કોઈએ એવા રસે જાણે રસી દીધી;

રજેરજમાંથી અજવાળા સૂરજના ધોરણે આવ્યાં.

કદી સ્વપ્ને ય નો’તો ખ્યાલ કે જીવીશ હું સ્વપ્ને;

વિચારું છું મને આ ઓરતા કેવી ક્ષણે આવ્યા?

મુહબ્બત આ રસાયણનું જ બીજું નામ છે શાયદ!

હૃદયમાં જે ઉમળકાઓ, અહીં આવ્યા, પણે આવ્યા!

હવે મારા હૃદયની વાત જાણી જાય છે તેઓ;

હતા જે આકૃતિના ભાવ, સીધા દર્પણે આવ્યા!

નજર થાકી, તો એ નિસ્તેજ થૈ પથરાઈ ગઈ પથ પર;

હૃદય થાક્યું તો પરસેવાનાં બિન્દુ પાંપણે આવ્યાં.

‘ગની’, બળતામાં ઘી હોમાયા જેવી વાત થઈ આ તો;

દુઃખી પોતે હતી, દુનિયા ને એમાં આપણે આવ્યા!

સ્રોત

  • પુસ્તક : હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે (પૃષ્ઠ ક્રમાંક 206)
  • સંપાદક : ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009