chopatne sankeliye - Ghazals | RekhtaGujarati

ચોપાટને સંકેલીએ

chopatne sankeliye

રજનીકાન્ત સથવારા રજનીકાન્ત સથવારા
ચોપાટને સંકેલીએ
રજનીકાન્ત સથવારા

સાવ નક્કામી નથી, સારીય છે.

એક રેખા હાથમાં તારીય છે.

જેટલી ભૂલ્યા કરી છે મેં તને,

એટલી ક્યારેક સંભારીય છે.

મેં મને મારા મહીં રહેવા દીધો,

ભૂલ એમાં કંઈક તો મારીય છે.

ડામ ઊપર ડામ જ્યાં દીધા હતા

સમયની પીઠ પસવારીય છે.

મેં વિસ્તરતી મૂકેલી તે છતાં

વેદનાને ક્યાંક તો વારીય છે.

એટલો હું કાંઈ પાવરધો નથી

જિંદગી સામે શરત હારીય છે.

ચાલ ચોપાટને સંકેલીએ

સોગઠામાં એક સોપારીય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન ૧૯૯૭ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : હેમન્ત દેસાઈ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2000