પ્રેમના પરથમ પગથિયે ચાંદ તોડી લાવશે
premnaa partham pagathiye chaand todii laavshe

પ્રેમના પરથમ પગથિયે ચાંદ તોડી લાવશે
premnaa partham pagathiye chaand todii laavshe
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi

પ્રેમના પરથમ પગથિયે ચાંદ તોડી લાવશે,
કાં વસંતતિલકાને ખુશ કરવા ગઝલ સંભળાવશે.
લ્યો, હવે તો સૂર્ય ઊગ્યો, હોલવી નાખો મને,
કોઈ પાછો સાંજે આવીને મને સળગાવશે.
ના, મને મૃત્યુ પછીની સ્હેજ પણ ચિંતા નથી,
હું રહું છું એવા ઘરમાં કે કબર પણ ફાવશે.
ધોમ તડકામાં કોઈનો છાંયડો માગી તો જો,
શક્ય છે કે આંખ સામે આયના ચમકાવશે.
દીકરાની રાહ જોતી ફોન પર બેઠી છે મા,
ગામની ડોશી હવે કાગળ નહીં વંચાવશે.
બસ હવે ભૂતકાળના જખ્મોને ખોતરશો નહીં,
ગઈ સદીને એ નવેસરથી ફરી ઉથલાવશે.
આ નદી છે, એને ચોમાસું જ છલકાવી શકે,
માવઠું એકાદ-બે ખાબોચિયાં છલકાવશે.



સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 38)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000