sat rangna sarname - Ghazals | RekhtaGujarati

સાત રંગના સરનામે

sat rangna sarname

રમેશ પારેખ રમેશ પારેખ
સાત રંગના સરનામે
રમેશ પારેખ

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો

ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં

બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો

કેવા દુખિયારા ગર્વ વડે ખરબચડી ઉંમર પંપાળી?

શું કામ હતું બીજું આમે? ના તું આવી, ના હું આવ્યો

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની

ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની

એક મજિયારા મનના નામે, ના તું આવી, ના હું આવ્યો.

સ્રોત

  • પુસ્તક : વિતાન સુદ બીજ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989