samvaadii ghazal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એમણે પૂછ્યું : થયો શું લાભ મુજ સહવાસથી?

મેં કહ્યું : ‘જાણી શકો પ્રસરેલી સુવાસથી.’

‘રાહ જોશો ક્યાં લગી’ જ્યાં એમણે પૂછ્યું મને

‘જ્યાં લગી ધબકાર ચાલે’ હું વદ્યો વિશ્વાસથી.

કહે : ‘સંબંધ છે આપણો કેવો? કહે’

‘આના જેવો’ મેં કહ્યું લઈ ઓસબિંદુ ઘાસથી.

પૂછે છે : ‘અંત શું આનો હશે’ તો મેં કહ્યું :

‘આપણે શું જાણીએ? જગ જાણશે ઇતિહાસથી.’

‘હું મળું ના તો કરું શું?’ એમની ધમકી હતી

‘ખ્વાબને ટાળી શકો ના’ મેં કહ્યું હળવાશથી.

‘કંટકોથી છે સભર પંથ, પાછો વળ’ કહે,

મેં કહ્યું : ‘તો ફૂલડાં વેરીશ હું આકાશથી.’

‘દૂર ચાલી જઈશ’ નો ઉત્તર હતો મુજ એટલો :

‘હો ગમે ત્યાં તોય સૂંઘી લઈશ મારા શ્વાસથી.’

કહે : ‘આ ચાંદ સુણે છે, જરા શરમાવ રે’

મેં કહ્યું : ‘એ રાહ ચીંધે છે સ્વયં અજવાસથી.’

ભોંય ખોતરતાં કહ્યું કે ‘શું ચહે છે તું અરે?’

મેં કહ્યું : ‘તું જે ચહે છે શ્વાસથી–ઉચ્છવાસથી.’

સ્રોત

  • પુસ્તક : અવકાશ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : ગણપત પટેલ 'સૌમ્ય'
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2008