mane ewi rite kajha yaad aawi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને એવી રીતે કઝા યાદ આવી

mane ewi rite kajha yaad aawi

મરીઝ મરીઝ
મને એવી રીતે કઝા યાદ આવી
મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,

કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુઃખ મારાં આંસુનું કારણ

હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનનાં કલંકોની જ્યાં વાત નીકળી,

શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારી હસીનોના ઇકરાર સામે,

મને એક લાચાર 'ના' યાદ આવી.

મહોબ્બતના દુઃખની અંતિમ હદ છે,

મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરનો એકાંત, ઊંડાણ ખોળો,

બીજી એક હુંફાળી જગા યાદ આવી.

શું પ્રેમ કરશે કે હર વાતે જેને,

નિયમ યાદ આવ્યા - પ્રથા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,

ફરી ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!

‘મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009