hun kyan kahun chhun aapni ha howi joie, - Ghazals | RekhtaGujarati

હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઈએ,

hun kyan kahun chhun aapni ha howi joie,

મરીઝ મરીઝ
હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઈએ,
મરીઝ

હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઈએ,

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

પૂરતો નથી નસીબનો આનંદ ખુદા,

મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,

હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,

હમણાં ભલે કહું છું દવા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,

નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

ઝાહેદ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,

એમાં જરાક જેવી મજા હોવી જોઈએ.

બાકી ઘણા હકીમ હતા પણ મારી હઠ,

બસ તારા હાથથી સિફા હોવી જોઈએ.

પૃથ્વીની વિશાળતા અમથી નથી ‘મરીઝ’,

એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009