paththarthi panara chhe - Ghazals | RekhtaGujarati

પથ્થરથી પનારા છે

paththarthi panara chhe

બેફામ બેફામ
પથ્થરથી પનારા છે
બેફામ

સ્વજન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

સદન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

અજાણ્યા રહીને મેં તો મારી બરબાદી કીધી છે,

જતન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

નજર સામે ફક્ત મેં તો ચમકતો ચાંદ જોયો છે,

વદન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

હવે તો કોઈ દૃષ્ટિ સાથ મેળવતું નથી દૃષ્ટિ,

નયન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

હું સાચું રૂપ એનું જાણવા માટે તો જાગું છું,

સ્વપન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

વગર જાણ્યે દીવાના જેમ હસવાનું છે મારે,

રુદન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

વસંત ને પાનખર બન્ને મને સરખી લાગે છે,

સુમન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

હજી હમણાં સુધી તો મારે પથ્થરથી પનારા છે,

રતન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

મને તો છે સમંદર જેમ મર્યાદા કિનારાની,

વહન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

વિરહને તો તમે આવો નહીં તો પણ હું જાણું છું,

મિલન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

ધરા પર પગ નથી ટકતા અને ‘બેફામ’ બોલે છે,

ગગન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.

સ્રોત

  • પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2022