sath deshe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવનભરનું મુજ દિલનું સંગી થવામાં,

અગર દર્દને તુજ દયા સાથ દેશે;

સકળ દર્દીઓનો દિલાસો થવામાં,

મને દિલ તણી અવદશા સાથ દેશે.

નકી તુજને તારાં નજર-તીર તાતાં,

ફરજ પાડવાનાં નિશાં તાકવાની;

તને ક્યાં સુધી તુજ નયન ઢાળવામાં,

બિચારી શર્મો-હયા સાથ દેશે!

શશી પૂર્ણિમાનો નહીં સાલવા દે,

અગર ખોટ તારા રૂપાળા વદનની;

સ્મરણ તારી જુલ્ફો તણું ભૂલવામાં,

મને શ્યામ વાદળ ઘટા સાથ દેશે.

નજર નહિ પ્રવેશે તો મસ્તક પછાડી,

રુધિર પાડવી તુજ પ્રતિબિંબ ઝીલશું;

નહીં સાથ દે બારણાં જો નઠારાં,

તો તારા ભલા ઉંબરા સાથ દેશે.

નિરંતર મને સાથ દીધાની શિક્ષા,

તમે એકલાં ભોગવો કાં, હે અશ્રુ!

નયનને ઝરૂખેથી ફેંકાતી વેળા,

તમોને મૂંગી પ્રાર્થના સાથ દેશે.

મને સ્વપ્ન મંજિલનું જોતો મૂકીને

જનારા, હે સાથી! તમારું ભલું હો.

મને માર્ગ-દર્શક ગણી પંથ-ભૂલ્યા,

ઘણાયે નવા કાફલા સાથ દેશે.

પતનની તળેટી! રહેવા દે હાંસી,

હતી જાણ મુજને જતાં પુણ્ય શિખરે.

લપસણાં ચઢાણેથી લપસી જવામાં,

મને મારી એક ખતા સાથ દેશે.

તું આશિકને બદલે તબીબોને, મારા

બિછાને મોકલ મરણ-ટાણે,'કિસ્મત'

હું સંગી છું જખ્મી જિગરની દુઆનો,

મને કોઈની શું દવા સાથ દેશે?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4