ahin aav - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અહીં આવ

ahin aav

સગીર સગીર
અહીં આવ
સગીર

ઘૃણાથી મને જોઈને જાનાર, અહીં આવ,

દૃષ્ટિથી હું દૃષ્ટિને કરું પ્યાર, અહીં આવ.

હું જોઉં છું તુજ વાટ, કોઈ વાર અહીં આવ,

રાખું છું ઉઘાડાં હૃદયદ્વાર, અહીં આવ.

ઓઝલની પ્રતિજ્ઞા છે તો ઓઝલમાં રહીને,

બંધ આંખે કરું તારા હું દીદાર, અહીં આવ.

અંજાશે નહિ મારી કદી પ્રેમની દૃષ્ટિ;

તું છો ને કરી રૂપના શણગાર અહીં આવ.

હું તારાં કદમ ચાહું છું, ક્ષણમાત્ર ભલે હો,

આંસુથી બનાવ્યો છે મેં ગુલજાર, અહીં આવ.

તું કોણ છે સ્વયં હું તને ભાન કરાવું,

માત્ર તરંગોમાં વિહરનાર, અહીં આવ.

પીંછીથી નહિ, ચીતરું છું દૃષ્ટિથી ચિત્રો,

જોવાને કલા મારી, કલાકાર, અહીં આવ.

ત્રિકાળના મુજ જ્ઞાનથી પૂરી દઉં રંગો,

ભાવિ જગત કેરા તું આકાર! અહીં આવ.

ઊડે ગગનમાં તું, ગગન તુજ મહીં ઊડે,

રજ! હું દઉં આટલો વિસ્તાર, અહીં આવ.

આવી ‘સગીર' જાઉં ઘણે દૂરથી પાસે,

બસ આટલું કોઈ કહે ચાહનાર, અહીં આવ.

રસપ્રદ તથ્યો

ગુલજાર : ગુલાબનું ઉદ્યાન

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1961