praswed abhishekman lawish, mahadew - Ghazals | RekhtaGujarati

પ્રસ્વેદ અભિષેકમાં લાવીશ, મહાદેવ

praswed abhishekman lawish, mahadew

ગૌરાંગ ઠાકર ગૌરાંગ ઠાકર
પ્રસ્વેદ અભિષેકમાં લાવીશ, મહાદેવ
ગૌરાંગ ઠાકર

પ્રસ્વેદ અભિષેકમાં લાવીશ, મહાદેવ.

લાગે છે મને તો તું તારીશ, મહાદેવ.

એકાદ અહીં વૃક્ષ ઉગાડીશ, મહાદેવ.

હું બાદ તને બિલ્વ ચડાવીશ, મહાદેવ.

મંત્રો પછી મોઢે કરી આવીશ, મહાદેવ.

પહેલાં હું અભણ એક ભણાવીશ, મહાદેવ.

એવુંય બને, ત્યારે મને ત્રીજી મળે આંખ;

પ્રત્યેકમાં જ્યારે હું નિહાળીશ, મહાદેવ.

મારાય ગળામાં, પછી વીંટાય ફણીધર;

હું ઝેર પ્રથમ મારું ઉતારીશ, મહાદેવ.

મેં ભાવ ઉમેરી અહીં પાણીને કર્યું જળ;

ગંગાનું ગણી જળ તું સ્વીકારીશ, મહાદેવ?

તેથી ઉતારું તને દરરોજ ગઝલમાં;

ક્યારેક તો તું શ્લોક લખાવીશ, મહાદેવ.

સ્રોત

  • પુસ્તક : હસ્તાક્ષર (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2021