wishw par chare taraph andhkar pathrayo hato - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિશ્વ પર ચારે તરફ અંધકાર પથરાયો હતો

wishw par chare taraph andhkar pathrayo hato

સાલિક પોપટિયા સાલિક પોપટિયા
વિશ્વ પર ચારે તરફ અંધકાર પથરાયો હતો
સાલિક પોપટિયા

વિશ્વ પર ચારે તરફ અંધકાર પથરાયો હતો,

શ્યામ પાલવ રાત્રિનો સર્વત્ર લંબાયો હતો.

પ્રાણીઓ પૃથ્વી ઉપર આરામથી પોઢ્યાં હતાં,

માત્ર તારાઓ હતા આકાશ ઉપર જાગતા.

પ્રકૃતિ મૂંગી હતી. કંઈ શૂન્યતા છાઈ હતી,

ઊંડા ચિંતનમાં ડુબાડે એવી તનહાઈ હતી.

સમે કોઈ કવિ ત્યાં જાગતો બેઠો હતો,

મીટ માંડી આભ પર કંઈ શોચતો બેઠો હતો.

દૂર, ટમટમતો ગયો ત્યાં આભથી તારો ખરી,

જેમ કોઈ અશ્રુબિન્દુ આંખથી જાયે સરી.

નિહાળીને કવિના મન મહીં આવ્યો. વિચાર;

માનવી-અંજામનો શું નથી સાચો ચિતાર?

જીવનની જ્યોત પણ છે આભના તારા સમી,

રહી જશે બુઝાઈ વિશ્વે ચાર દિન ટમટમી.

તારલો ખરતાંય પાછળ તેજ વેરી જાય છે,

માનવી પણ એમ પાછળ યાદ મૂકી જાય છે.

થાય છે ઈનસાનનું પણ વિશ્વમાં આવું પતન,

ખાકથી સર્જાયલા થઈ જાય છે એમાં દફન.

ચાર દિન વિશ્વની બાઝારમાં ઘૂમી, ભમી,

ખાક-મૂર્તિ આખરે જઈ ખાકમાં જાતી શમી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1996