jindgi - Ghazals | RekhtaGujarati

જિંદગી, કાચી નિશાની જિંદગી,

સાચની જૂઠી કહાની જિંદગી.

કંકુ ઝરતી કોઈ પાની જિંદગી,

કે રહસ્યોની રવાની જિંદગી!

કોઈ મારકણાં નયન જેવી છતાં,

મ્હોબતીલી છે મજાની જિંદગી.

તુચ્છ તલ શી કોઈ ગોરા ગાલ પર,

તે છતાં કેવી તુફાની જિંદગી!

મોત - આલમગીરની છાતી ઉપર,

નાચતી હરદમ ભવાની જિંદગી.

જોતજોતામાં અલોપ થઈ જતી,

ભૂતિયા વ્હાણે સુકાની જિંદગી.

શ્વાસ ને ઉચ્છ્વાસ પર દેતી કદમ,

દોડતી હરણી હવાની જિંદગી.

રાખતાં રાખી શક્યો ના ઈશ પણ,

એક એવી વાત છાની જિંદગી.

કેટલા ભોળા ગુન્હાની, હે પ્રભુ!

બાવરી, તૂટક જુબાની જિંદગી!

બે ઘડી - ને માય છે, ક્યાંયે બરો!

વાહ રે! મારી ગુમાની જિંદગી!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4