prabhu to lambi raja upar chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રભુ તો લાંબી રજા ઉપર છે

prabhu to lambi raja upar chhe

ગૌરાંગ ઠાકર ગૌરાંગ ઠાકર
પ્રભુ તો લાંબી રજા ઉપર છે
ગૌરાંગ ઠાકર

કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

ધરાથી લઈને ગગન સુધીનું, તમારે અંધારુ ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

કળી કળીને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી, અને તમારે ઉપરથી અહીંયા,

બધાં પંખીની ચાંચ માટે, કશુંક ચણવા ઉગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

સૂરજ સમયસર ઉગાડવાનો, અને સમયસર ડૂબાડવાનો, નહીં કરો તો નહીં ચાલે,

અને બીજું કે તમારે સાંજે, ગગનને રંગોથી રંગવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

દરેક બાળકનાં સ્મિતમાં જઈ, દરેક માતાની આંખમાં રહી, તમારે હાજર થવું પડશે,

પછી તમારે બધાંની અંદર, વહાલ થઈ ને રહી જવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

પ્રથમ તમારે હવા ને અહીંયા, બનાવવાની છે શ્વાસ સૌનો, પછીથી શ્રધ્ધા જીવાડવાની,

તમે બોલો થશે બધું આ, નહીં તો છોડો પ્રભુ થવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ