Prabhu, Manvata Parvari Rahi Chhe Manavimathi - Ghazals | RekhtaGujarati

પ્રભુ, માનવતા પરવારી રહી છે માનવીમાંથી

Prabhu, Manvata Parvari Rahi Chhe Manavimathi

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
પ્રભુ, માનવતા પરવારી રહી છે માનવીમાંથી
બરકત વીરાણી 'બેફામ'

પ્રભુ, માનવતા પરવારી રહી છે માનવીમાંથી;

ચિતારા, ભૂલ શું છે? રંગ ઊડે છે છબીમાંથી.

બધાંનાં ઘરમાં તારું તેજ હું પણ એમ ફેલાવું,

ઝીલી ફેંકે છે બાળક, જેમ કિરણો આરસીમાંથી.

છે કુદરતનો નિયમ એથી ખબર પડતી નથી એની,

બહુ મુશ્કીલ છે નહિ તો ફૂલ બનવાનું કળીમાંથી.

વહે છે હવે પ્રસ્વેદરૂપે ઝાંઝવાં પાછળ,

કદી પીધું હતું જે નીર મેં વહેતી નદીમાંથી.

તમે એક વાર જેને રાત દઈ જાઓ છો જીવનમાં,

દિવસ મળતો નથી એને સૂરજની રોશનીમાંથી.

તમારાથી વધારે તો તમારું રૂપ નિર્મળ છે,

કે ડાઘા ચાંદના નીકળી ગયા છે ચાંદનીમાંથી.

બને તો કોઈના ગમમાંથી ગમ લઉં છું ગજા પૂરતો,

ખુશી લેતો નથી કિન્તુ હું કોઈની ખુશીમાંથી.

વધારે નહિ તો થોડો, પણુ મનેયે ભાગ તો આપો,

તમે આનંદ જે લૂંટ્યો છે મારી જિંદગીમાંથી.

બિચારા તો મારા મરણની રાહ જોતા'તા,

જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ