વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ
vendhari bhaar aeno thaakii javaay jiivan
હિરેન ગઢવી
Hiren Gadhavi

વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ,
સપનાની જેમ સમજણ તોડી નખાય જીવણ.
જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવણ,
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ.
દેખાય ના કશું પણ એના સિવાય જગમાં,
સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવણ.
બેઠું છે કોણ સામે? આસન તમારું ક્યાં છે?
એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવણ.
નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું?
મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવણ.
પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધી છે,
મસ્તાન માનવીને ભેટી પડાય જીવણ.
કેવળ મને કહે તું ને કોઈ સાંભળી લે,
તો શક્ય છે ફરીથી ગીતા લખાય જીવણ.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ