અશ્રુ આપી અને સાંત્વન લઈ ગયો
ashru aapi ane santvan lai gayo

અશ્રુ આપી અને સાંત્વન લઈ ગયો
ashru aapi ane santvan lai gayo
ગુલામ અબ્બાસ 'નાશાદ'
Gulam Abbas 'Nashad'

અશ્રુ આપી અને સાંત્વન લઈ ગયો,
મારા ઘરમાંથી મારું વતન લઈ ગયો.
સુરમો આંજવાની કલા તો જુઓ,
આંખમાંથી એ સઘળા સ્વપન લઈ ગયો.
સ્પર્શ આપી મને શીત પીડા ધરી,
મારા શ્વાસોની મીઠી અગન લઈ ગયો.
એકડે એકથી ઘૂંટવાનું રહ્યું,
મારું મન લઈ જનારો મનન લઈ ગયો.
આવડત દાદને પાત્ર સાબિત કરી,
ફૂલ માંગ્યાં હતાં ને કવન લઈ ગયો.
લૂંટ એને ગણતરી મૂકીને કરી,
હાથ મૂકી ગયો તો નમન લઈ ગયો.
સાવ ખાલીપો 'અબ્બાસ' બાકી રહ્યો,
સ્થિરતાનું બધુંયે વજન લઈ ગયો.



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 244)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ