phuloe - Ghazals | RekhtaGujarati

દઈ ખુશબૂ અને ખુદ જિંદગીનાં દાન ફૂલોએ,

સુહાવીને વધારી છે ચમનની શાન ફૂલોએ!

મનોહર કોઈ ઉપવન કે ભયાનક કોઈ જંગલ હો,

જીવનમાં હાસ્યને કેવું કર્યું આસાન ફૂલોએ!

જીવન તો જાય છે કિન્તુ નશો એનો નથી જાતો,

કરેલું હોય છે એવું અજબ મયપાન ફૂલોએ!

અમે તો દેવને કેવળ હૃદયની ભાવના આપી,

પરંતુ અર્ધ્યમાં આપી દીધો છે જાન ફૂલોએ!

રહીને કંટકો વચ્ચેય હસતાં રહ્યાં કાયમ,

નથી ક્યારેય ગુમાવી જીવનની શાન ફૂલોએ!

નિહાળી ખુશ થનારાએ તરત એને ચૂંટી લીધાં!

થતું જોયું ચમનમાં ‘આટલું સન્માન ફૂલોએ!

નથી દૃષ્ટિય નાખી કંઈ ચમનમાં આવનારાએ,

સહી લીધાં છે એવાંયે ઘણાં અપમાન ફૂલોએ!

નિહાળી પાનખરને આવતી ચાલ્યાં ગયાં પ્હેલાં,

નથી જોયું ભર્યું ઉપવન થતું વેરાન ફૂલોએ.

ભલે દેખાવમાં ભોળાં અને નિર્દોષ લાગે, પણ

ઘણાં દિલમાં જગાવ્યાં છે ઘણાં તોફાન ફૂલોએ!

‘અનિલ’ને દોષ શાને આપ દો છો પ્યારને માટે?

જગાડ્યાં છે હૃદયમાં બધાં અરમાન ફૂલોએ!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 206)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4