phartan phartan nirjan wanman - Ghazals | RekhtaGujarati

ફરતાં ફરતાં નિર્જન વનમાં

phartan phartan nirjan wanman

નિનુ મઝુમદાર નિનુ મઝુમદાર
ફરતાં ફરતાં નિર્જન વનમાં
નિનુ મઝુમદાર

ફરતાં ફરતાં નિર્જન વનમાં એક સહચરની યાદા'વી ગૈ,

એક ડાળ હતી ને હતો માળો મુજને ઘરની યાદા'વી ગૈ.

ત્યાં વેરવિખેર હતાં ફૂલો ને એકલું બુલબુલ રોતું હતું.

સૈયાદે દયાથી ખોલ્યું હતું તે પિંજરની યાદા'વી ગૈ.

અરમાન વહીને દિલમાંથી પલકોના કિનારા શોધે છે,

નયનોમાં તરતા જીવનને કોઈ સાગરની યાદા'વી ગૈ.

સર્જન ને નાશ મહીં બુલબુલ એક સરખી સૌરભ લેતું રહ્યું,

પિસાઈ રહેલાં ફૂલોમાં કૈં અત્તરની યાદા'વી ગૈ.

ત્યાં પાછળ માર્ગ હતો સૂનો ને આગળ પણ સૂમસામ હતું,

એકાકી ‘નિરંજન’ને ત્યારે સચરાચરની યાદા'વી ગૈ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1996