phari jojo - Ghazals | RekhtaGujarati

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,

તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.

મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,

પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.

ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,

શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.

વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,

અરીસા પર નજર ફેંકી તમારી છરી જોજો.

કટોરા ઝેરના પીતાં જીવું છું વફાદારી,

કસોટી જો ગમે કરવી બીજું પ્યાલું ધરી જોજો.

અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો?

કદર કો' દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.

વરસતા શ્યામ વાદળમાં મળ્યા'તા મેઘલી રાતે,

વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે દિલબર! ફરી જોજો.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4