shubhlaabh diidhaa, saathiyaa ne shree-savaa diidhaa - Ghazals | RekhtaGujarati

શુભલાભ દીધા, સાથિયા ને શ્રી-સવા દીધા

shubhlaabh diidhaa, saathiyaa ne shree-savaa diidhaa

ભીખુભાઈ ચાવડા 'નાદાન' ભીખુભાઈ ચાવડા 'નાદાન'
શુભલાભ દીધા, સાથિયા ને શ્રી-સવા દીધા
ભીખુભાઈ ચાવડા 'નાદાન'

શુભલાભ દીધા, સાથિયા ને શ્રી-સવા દીધા

ઘરમાં પછી જગતના પવન આવવા દીધા

મેંદીભર્યાં ચરણ તો સતત સાથિયા રચે

ઉંબરાને મુઠ્ઠી-ઊંચેરા થવા દીધા

બહુ ખાનગી છે વાત જરા કાનમાં કહું

ગમતા’તા એટલે તો વધુ ચાહવા દીધા

નીકળી છે વાત તો પવનનેય કહી દઉં

જા સાચવીને, રાહ તને અવનવા દીધા

પકડીને કોણ બેસી રહે, હવા છે, દોસ્ત

જે શ્વાસ આવતા રહ્યા પણ જવા દીધા

એની સભા છે ચૂપ રહી જે થાય તે જુઓ

‘નાદાન’ પાડ માનો અહીં બેસવા દીધા.

સ્રોત

  • પુસ્તક : રજ રજ અચરજ