sawaya shabdno swastik karine maun thai jaun - Ghazals | RekhtaGujarati

સવાયા શબ્દનો સ્વસ્તિક કરીને મૌન થઈ જાઉં

sawaya shabdno swastik karine maun thai jaun

પ્રણવ પંડ્યા પ્રણવ પંડ્યા
સવાયા શબ્દનો સ્વસ્તિક કરીને મૌન થઈ જાઉં
પ્રણવ પંડ્યા

સવાયા શબ્દનો સ્વસ્તિક કરીને મૌન થઈ જાઉં,

મને આવડતા બે ટહુકા ધરીને મૌન થઈ જાઉં.

બધે અંધારપટ છે લાગણીનો જાણું છું, તો પણ,

હું કોઈ આગિયા શો સંચરીને મૌન થઈ જાઉં.

નથી ઊંચકી શકાતો ભાર ભાવુકતાનો ભાષાથી,

નજરથી વાત કહું, તુર્ત કરીને મૌન થઈ જાઉં.

અવાજો પર્ણને નહિ, બસ પવનને હોય છે અહીંયા,

સતત થાતું મને : હું પણ ખરીને મૌન થઈ જાઉં.

ઘણીયે વાત બાકી છે, જરા શી રાત બાકી છે,

અધૂરી વાત પાછી આદરીને મૌન થઈ જાઉં.

ઉઘાડ્યા હોઠ એને ના સમય ઝાઝો થયો તો યે,

હવે લાગ્યા કરે છે કે ફરીને મૌન થઈ જાઉં.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑક્ટોબર – નવેમ્બર ૨૦૧૩ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ ટ્રસ્ટ