patrman chomasun - Ghazals | RekhtaGujarati

પત્રમાં ચોમાસું

patrman chomasun

કરસનદાસ લુહાર કરસનદાસ લુહાર
પત્રમાં ચોમાસું
કરસનદાસ લુહાર

એક લીલા પાંદ પર તેં વહાલ વરસાવ્યું હશે!

એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે!

આંહીનો અન્ધાર મારો સૌમ્ય, હરિયાળો થયો;

તુલસી-ક્યારે કોડિયું તેં હમણા પ્રગટાવ્યું હશે!

જે જગાથી આપણે લઈને તરસ છૂટાં પડ્યાં;

એ જગા જોવા પછી કોઈ ઝરણ આવ્યું હશે!

ચાર અક્ષર જેટલું અંતર સહેવાયું નહીં;

એટલે તેં છૂંદણાંમાં નામ ત્રોફાવ્યું હશે!

મારું નિર્જળ શહેર આખું પાણીપાણી છે હવે!

પત્રમાં સરિયામ ચોમાસું તેં ચીતરાવ્યું હશે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2002 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : રમણીક સોમેશ્વર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004