asapas - Ghazals | RekhtaGujarati

પત્રમાંય એમનાં આંસુ ખર્યાં હતાં,

મેં બધાંય પહેલેથી સંઘર્યાં હતાં.

મોજાંની ટોચ પર ચડેલ માછલીની જેમ,

કીકીમાં કોકવાર એય તરવર્યાં હતાં.

ગોરંભ્યું હોય તોય તે વરસે નહીં ટીપુંય

એવું ગગન બનેલ અમે સાંભર્યાં હતાં.

મળ્યાં પ્રથમ મળી’તી ઝંખના મને

પામ્યા પછીય પામવાનાં તપ કર્યાં હતાં!

પૂછ્યું હતું તમે કે, તમે ક્યાં મળ્યાં હતાં?

-એ સ્થળની આસપાસ અમે તો ફર્યાં હતાં!

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ