parnan karyan - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પારણાં કર્યાં

parnan karyan

સ્નેહી પરમાર સ્નેહી પરમાર
પારણાં કર્યાં
સ્નેહી પરમાર

મારા ને એનાં બેઉનાં મેં પારખાં કર્યાં

પથ્થર મળ્યા તો ઊભા રહી, ચાંદલા કર્યા

બાજુના ઘરને આવી જરા અમથી હેડકી

મારા ઘરે રાતભર ઉજાગરા કર્યા

સામે તમે મળ્યાં, ને સમાધાન થઈ ગયું

આંખોએ આંસુઓના હાથે પારણાં કર્યાં

સુખને દીધું છે રમવા હૃદય રીતે અમે

બાળકને દઈ રમકડાં, ઘરે આવતાં કર્યાં

પ્રગટી ગઈ જે પીડ તે પસ્તી થઈ ગઈ

અંદર રહી ગઈ તો એણે લાખના કર્યા

જ્ઞાનીઓ જે જગાને નરી બિનનિપજ કહે

કુંભારે તે માટીમાંથી માટલાં કર્યાં

સ્રોત

  • પુસ્તક : યદા તદા ગઝલ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : સ્નેહી પરમાર
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2015