પંખીપણું
pankhipanun
કૃષ્ણ દવે
Krushna Dave
કૃષ્ણ દવે
Krushna Dave
એક પણ વળગણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.
સ્હેજ પણ સમજણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.
એ જરૂરી છે જ નહીં કે રોજ એની એ જ ડાળી પર ફરી પાછા જવું, ને આમ મારે-
કોઈ એક જ ઘર અને આંગણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.
એક ભીનો આવકારો આંખમાં રોપી લીલીછમ્ રાહ જોતાં વૃક્ષની પાસે જવાનાં-
આવવાનાં કોઈ પણ કારણ નથી ને, એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.
પંથ આખો છે હવાનો એટલે હળવા થવાનો, ને જુઓ આ પંથ માટે-
કોઈ નિયમો કોઈ બંધારણ નથી ને, એટલો તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.
આ ગણતરીના લબાચાને અહીં નીચે મૂકીને પાંખ બે વિશ્વાસની
પ્હેરી જરા ઊડી જુએને તો જ- સમજાશે તને કે ક્યાંક આ
પંખીપણામાં એક બે કે ત્રણ નથી ને,
એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : રાજેશ પંડ્યા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2012
