પાલવ મળે
Palav Male
આસિમ રાંદેરી
Asim Randeri
આસિમ રાંદેરી
Asim Randeri
હું નથી કહેતો કે સાકી, રસસભર આસવ મળે,
મારે મન અમૃત છે, તારા હાથથી જો દવ મળે!
ભીની ભીની સાંજનો મંજુલ મધુર પગરવ મળે,
એ જ તાપી, એ જ લીલા, સહ પ્રણય-ઉત્સવ મળે.
ઓઢણીના સૌ સિતારા, રાતને ઉજ્જ્વળ કરે,
ને દુઆગો હાથને, તુજ મહેકતો પાલવ મળે.
વીજળી પણ જાય થંભી, સાંભળી આકાશમાં,
મારા માળાને જો મારા પંખીનો કલરવ મળે.
તું જો છે તો છે બધું, ને જો નથી તો કંઈ નથી,
શૂન્યતાને તુજ થકી અસ્તિત્વનો વૈભવ મળે!
રાત-દિન શોધું છું આ ખુશ્બૂ ભરેલા શહેરમાં,
એ પીરોજી રંગનો, ખોવાયેલો પાલવ મળે.
એ જ દૃષ્ટિએ થતું, લીલાને 'આસિમ'નું મિલન,
રાધાને માધવ અને સીતાજીને રાઘવ મળે!
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી ગઝલો 'આસિમ' રાંદેરી 'લીલાયન' (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : હરજીવન દાફડા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2022
