pagnan chhalan doDwani ‘na’ ja kaheshe - Ghazals | RekhtaGujarati

પગનાં છાલાં દોડવાની ‘ના’ જ કહેશે

pagnan chhalan doDwani ‘na’ ja kaheshe

રઈશ મનીઆર રઈશ મનીઆર
પગનાં છાલાં દોડવાની ‘ના’ જ કહેશે
રઈશ મનીઆર

પગનાં છાલાં દોડવાની ‘ના’ જ કહેશે

પ્યાસ તોયે ઝોઝવા પીવા જ કહેશે

કાંકરા અંગે બધા સહેલાણી જાણે

મોતી બાબત માત્ર મરજીવા જ કહેશે

શું કદરની આશ ઉન્નત લોક પાસે!

વાદળાં તો પ્હાડને નીચા જ કહેશે

બોર કેવાં હોય છે, શબરીને પૂછો

રામને પૂછો તો મીઠાં જ કહેશે

આ પગરખાંઓ દિવસની વાત જાણે

રાત વીતી કેમ ઓશીકાં જ કહેશે

શોરોગુલ જંપી જશે જૂઠાણાં લઈને

વાત સાચી તો સ્વરો ધીમા જ કહેશે

તું સફળ છે, કોણ કહેશે સત્ય તુજને?

મંડળી મળશે ને ‘હા જી હા’ જ કહેશે

બેઘરોની પીઠને પૂછી તો જો જો

શહેરના ફૂટપાથને લિસ્સા જ કહેશે

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - ઑક્ટોબર 2014 (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન