પડ્યાં ગાબડાં ને કથળતી દીવાલો
padyaan gaabdaan ne kathaltii diivaalo
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
પડ્યાં ગાબડાં ને કથળતી દીવાલો
ગુફામાં હવે પાછી વળતી દીવાલો
તરડ બારણાંમાં ઝીણી હોય તો પણ
કદી ત્યાંથી ભાગી નીકળતી દીવાલો
દિવસભર રહે ઊભી લઈ ઘરનો ટેકો
અને ક્યાંય રાતે રઝળતી દીવાલો
ઝીણાં છિદ્રથી આવે ચાંદરણાં ફીકાં
શિશુ જેમ એને ચગળતી દીવાલો
સમયની તીણી સાંગ પથ્થરને ચીરે
ચીસો પાડે લોહી નીંગળતી દીવાલો
હવે ક્યાંક ખુલ્લામાં રહેવાને ચાલો
અહીં ચોતરફ છે ઊકળતી દીવાલો
સ્રોત
- પુસ્તક : એમ પણ બને (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : નીતિન વડગામા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004
