hay sharam - Ghazals | RekhtaGujarati

એક પણ શબ્દ મુખમાંથી સર્યો હાય શરમ

આંખ ઢાળી ને મને જામ ધર્યો હાય શરમ

રૂપનો લ્હેરતો સાગર ને નિચોવાતું દિલ

પ્રેમમાં હું તો જીવ્યો કે મર્યો હાય શરમ

કોઈ ક્હેતું હતું ઘૂંઘટને ખસેડી હળવે

નીચી નજરે મને બેચેન કર્યો હાય શરમ

ધ્રૂજતા હાથે ઉતાવળ કરી છે ભારે

હાર કોનો હતો ને કોને વર્યો હાય શરમ

રૂપનો ચોર કહ્યો સાંભળી ચુપચાપ રહ્યો

હું તો દિલ આપીને પણ ચોર ઠર્યો હાય શરમ

અંગુલિ સ્હેજ અડી વીજળી જાણે કે પડી

શો ફરેબી હતો ક્રોધ નર્યો હાય શરમ

એના પડછાયામાં જ્યાં મારો સર્યો પડછાયો

હાથ છોડીને મને દૂર કર્યો હાય શરમ

સ્રોત

  • પુસ્તક : દીવાન-એ-આદમ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સર્જક : શેખાદમ આબુવાલા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1992