
નથી ત્યાં તું હું જાણું છું, અને તું હોય જો તો પણ તને હું વ્હેમ સમજીને અહીં પાછો ફરેલો છું,
મકાનોમાં એ ગલિઓમાં જે ખાલી કલ્પનામાં છે, હું એમાં ખૂબ રખડીને અહીં પાછો ફરેલો છું.
તિરાડોથી ભરેલા હો અરીસા ચોતરફ મારી, ને એમાં આગની વચ્ચે ઉભેલા આપણે બન્ને,
સળગતા સૌ પ્રતિબિંબો મને ચીસોથી પોકારે... હું એને સ્હેજ અડકીને અહીં પાછો ફરેલો છું.
તને મેં જોઈ છે ડૂબી જતાં દરિયાનાં પાણીમાં જ્યાં મારો હાથ હું આપું અને તું હાથ ઠુકરાવે,
પછી મોજાં ને લહેરો જે મને ના ડૂબવા દેતા, એ જળનો હાથ પકડીને અહીં પાછો ફરેલો છું.
ફરીથી જાઉં છું હું રોજ એ ખીણોનાં પથ્થરમાં કે જ્યાંથી તું કૂદી'તી, હું પડ્યો'તો એકસાથે પણ...,
હવે ત્યાં કોઈ ના મળતું ફકત છે લોહીના ડાઘા, હું ત્યાંથી રોઈ કકળીને અહીં પાછો ફરેલો છું.
મને મારા જ પડછાયાં કશે ઘેરી વળે 'અક્ષય', અને તારાય પડછાયાં પછી એમાં ભળે ત્યારે,
મળે જ્યાં બેય પડછાયાનાં પડછાયાનો પડછાયો, હું ત્યાંથી માંડ છટકીને અહીં પાછો ફરેલો છું.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ