paankhar paglaan bhare ghadiyaalmaan - Ghazals | RekhtaGujarati

પાનખર પગલાં ભરે ઘડિયાળમાં

paankhar paglaan bhare ghadiyaalmaan

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
પાનખર પગલાં ભરે ઘડિયાળમાં
મનોજ ખંડેરિયા

પાનખર પગલાં ભરે ઘડિયાળમાં

પાંદડાં ટન ટન ખરે ઘડિયાળમાં

દાબી દૈ બે હાથમાં ટક ટક અવાજ

મૌનને કહો વિસ્તરે ઘડિયાળમાં

લાગણી લોલક ઉપર સરક્યા કરે

આંગણું સૂનું તરે ઘડિયાળમાં

ચીરતા કાંટા પળોના દેહને

કેટલું લોહી ઝરે ઘડિયાળમાં

આંકડા વાગોળ થઈ ઊડી જતા

રાત જ્યારે ઘર કરે ઘડિયાળમાં

ટેકવી કાંટા ઉપર મસ્તક સમય

રાતભર જાગ્યા કરે ઘડિયાળમાં

સ્રોત

  • પુસ્તક : એમ પણ બને (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004